લાસવેગાસમાં ટ્રપ હોટેલની બહાર ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટથી 1નું મોત, 7 ઘાયલ

અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની વહેલી સવારે ટ્રક હુમલામાં 15ના મોત અને 35 ઘાયલ થયા પછી બુધવારે ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ લાસ વેગાસની બહાર ટેસ્લાની સાયબરટ્રકમાં વિસ્ફોટથી એકનું મોત થયું હતું અને સાત ઘાયલ થયાં હતાં. વિસ્ફોટને પગલે સાયબરટ્રક આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. એફબીઆઈએ બ્લાસ્ટને આતંકવાદનું કૃત્ય ગણીને તપાસ ચાલુ કરી હતી.

હોટેલની અંદર અને બહારના લોકોએ લીધેલા વીડિયોમાં દેખાય છે કે વાહનમાં વિસ્ફોટ થાય છે અને તેમાં પ્રચંડ આગ લાગે છે. લાસ વેગાસમાં આવેલી ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનનો એક ભાગ છે, જે પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની કંપની છે.

એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ જેરેમી શ્વાર્ટ્ઝે પત્રકારોને જણાવ્યું હતું કે વિસ્ફોટ આતંકવાદનું કૃત્ય હતું કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. એફબીઆઈ વાહન ચલાવનાર વ્યક્તિની ઓળખ કરી હતી. વ્હિકલ કોલોરાડોમાંથી ભાડે લેવામાં આવ્યું હતું.

ઇલોન મસ્કે જણાવ્યું હતું કે “અમે હવે પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ ખૂબ મોટા વિસ્ફોટકો અને/અથવા બોમ્બને કારણે થયો હતો.

આ સાયબરટ્રક 2024નું મોડલ હતું. તેમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને વિસ્ફોટથી સાત લોકોને નાની ઈજાઓ થઈ હતી. સાયબરટ્રક અને ન્યુ ઓર્લિયન્સ હુમલામાં વપરાયેલ વાહન બંને કાર-શેરિંગ કંપની તુરો દ્વારા ભાડે આપવામાં આવ્યા હતાં.

વિસ્ફોટ પછી લાસ વેગાસના અગ્નિશામકો આવી ચડ્યાં હતાં અને આગને બુઝાવી દીધી હતી. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઘટના બાદ ટ્રમ્પ હોટેલને ખાલી કરાવવામાં આવી હતી અને મોટાભાગના મુલાકાતીઓને અન્ય હોટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે ન્યૂ ઓર્લિયન્સ ટ્રક હુમલામાં અને ટેસ્લા સાયબરટ્રકના વિસ્ફોટ વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ કરી ચાલુ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *